ચૂંટણી ટાણે ભડકો / રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે મહિલા આગેવાન મહિલાઓને ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરી બળવો કર્યો
🔷નર્મદા જિલ્લામાં ભાજપમાં ચૂંટણી ટાણે ભડકો
🔷વર્ષોથી કામ કરતા પાયાના કાર્યકરો અને આગેવાનોને ટિકિટ ન મળતાં રોષ
🔷રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે મહિલા આગેવાન મહિલાઓને ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરી બળવો કર્યો
🔷નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા બળવાની સ્થિતિ
રાજપીપળા: નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે. એ તમામની વચ્ચે રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા પેરાશુટ ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતાં ભાજપનાં કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકા વૉર્ડ 5 અને વૉર્ડ 7 માંથી ભાજપની જ મહિલા આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ચુંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે વોર્ડ 6 માંથી ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ ભર્યા હતા.
નારાજ ભાજપી મહિલા હોદ્દેદારોએ જણાવ્યુ હતું કે અમને ભાજપની સેવાનું ફળ ન મળ્યું, હવે ફોર્મ પાછું નહિ ખેચીએ
નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધીએ જણાવ્યું હતું કે હું 1999 થી ભાજપમાં કામ કરૂં છું.મેં પોતે ભાજપની તમામ બેઠકોમાં હાજરી આપી છે, જવાબદારી પૂર્વક કામ પણ કર્યું છે. ગત વખતે પણ મારા વોર્ડ 5 માંથી સામાન્ય મહિલા અનામત સીટ પરથી મને ટીકીટ આપી નહોતી અને આ વખતે પણ મને ટીકીટ નથી આપી, સામાન્ય મહિલા અનામત સિટ પરથી આદીવાસી મહિલાને ઉમેદવાર બનાવી છે. જો પક્ષ કહેશે તો અમે રાજીનામું પણ આપવા તૈયાર છે. અમે ભાજપની જે સેવા કરી એનું ફળ અમને ન મળ્યું, હું કોઈ પણ ભોગે ફોર્મ પરત ખેંચું નહિ એમ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મનીષાબેન ગાંધીએ અન્ય વોર્ડ માંથી કોઈ દિવસ ટીકીટ માંગી નથી, પણ વોર્ડ 5 માંથી ટીકીટ માંગી તે છતાં સામાન્ય મહિલાની જગ્યાએ ભાજપે આદીવાસી મહિલાને ટિકીટ આપતાં ભારે રોષ ફેલાયો છે.
જ્યારે નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચા મહામંત્રી સરોજબેન તડવીએ જણાવ્યું હતું કે મોટા નેતાઓએ ટીકીટની વહેંચણી કરી નાના કાર્યકરોની અવગણના કરાઈ છે. પૈસા લઈને જ ટીકીટની ફાળવણી કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને જણાવ્યુ હતું કે. મેં આટલા વર્ષો ભાજપમાં કામ કર્યું તે છતાં મને ટીકીટ નથી આપી, મેં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડને રજુઆત કરી તો એમણે જણાવ્યું કે આ બધું ઉપરથી જ થયું છે. રાજપીપળા પાલિકામાં ટીકીટ વહેંચણી મુદ્દે ભાજપે વ્હાલા-દવલાની નીતિ અપનાવી છે.
તસવીર - રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️






Comments
Post a Comment